આપણાં ગુજરી ગયેલા સગાં-વહાલાં ક્યાં છે?
શાસ્ત્રમાંથી જવાબ
બાઇબલમાં લખ્યું છે: “જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે, પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.” (સભાશિક્ષક ૯:૫; ગીતશાસ્ત્ર ૧૪૬:૪) એટલે આપણું મરણ થાય ત્યારે કંઈ જ બચતું નથી. જેઓ ગુજરી ગયા છે, તેઓ કંઈ વિચારી શકતા નથી, કામ કરી શકતા નથી અને અનુભવી શકતા નથી.
“પાછો ધૂળમાં ભળી જઈશ”
ઈશ્વરે પહેલા માણસ આદમ સાથે વાત કરી ત્યારે તેને જણાવ્યું હતું કે મરણ પછી શું થાય છે. આદમે ઈશ્વરની આજ્ઞા ન માની એટલે ઈશ્વરે તેને કહ્યું: “તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જઈશ.” (ઉત્પત્તિ ૩:૧૯) ઈશ્વરે આદમને “ધરતીની માટીમાંથી” બનાવ્યો ત્યારે તે અસ્તિત્વમાં આવ્યો. (ઉત્પત્તિ ૨:૭) આદમના મરણ પછી તે ધૂળમાં ભળી ગયો અને તેનું કંઈ જ બચ્યું નહિ.
આજે ગુજરી ગયેલા લોકો સાથે એવું જ થાય છે. માણસો અને પ્રાણીઓ વિશે બાઇબલમાં લખ્યું છે, “તેઓ માટીમાંથી આવ્યા હતા અને પાછા માટીમાં ભળી જાય છે.”—સભાશિક્ષક ૩:૧૯, ૨૦.
ગુજરી ગયેલા લોકો માટે આશા
શાસ્ત્રમાં મરણને ઊંઘ સાથે સરખાવ્યું છે. (ગીતશાસ્ત્ર ૧૩:૩; યોહાન ૧૧:૧૧-૧૪; પ્રેરિતોનાં કાર્યો ૭:૬૦) એક વ્યક્તિ ભરઊંઘમાં હોય ત્યારે, તેને ખબર નથી હોતી કે તેની આજુબાજુ શું બની રહ્યું છે. એવું જ મરણ વિશે છે. વ્યક્તિ ગુજરી જાય છે, પછી તેને ખબર નથી હોતી કે આજુબાજુ શું બની રહ્યું છે. બાઇબલમાં જણાવ્યું છે કે જેમ એક વ્યક્તિને ઊંઘમાંથી ઉઠાડવામાં આવે છે, તેમ ગુજરી ગયેલા લોકોને ઈશ્વર મરણની ઊંઘમાંથી ઉઠાડશે. (અયૂબ ૧૪:૧૩-૧૫) જે લોકોને એ આશા પર પાકો ભરોસો છે, તેઓ માટે મરણ જ અંત નથી.