સ્કીપ ટુ કન્ટેન્ટ

મેકઅપ અને ઘરેણાં વિશે બાઇબલ શું કહે છે?

મેકઅપ અને ઘરેણાં વિશે બાઇબલ શું કહે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 બાઇબલમાં મેકઅપ, ઘરેણાં કે બીજી કોઈ રીતે શણગાર કરવા વિશે વધારે કંઈ જણાવ્યું નથી. જોકે એમાં એ નથી જણાવ્યું કે એ બધું કરવું ખોટું છે. પણ એ ચોક્કસ જણાવ્યું છે કે બહારના દેખાવ પર બહુ ધ્યાન આપવાને બદલે, આપણો ‘શણગાર અંદરનો હોવો જોઈએ, એટલે કે શાંત અને કોમળ સ્વભાવનો હોવો જોઈએ.’—૧ પિતર ૩:૩, ૪.

શણગાર કરવો ખોટું નથી

  •   બાઇબલમાં જણાવ્યું છે કે વફાદાર સ્ત્રીઓ પણ શણગાર કરતી હતી. એક દાખલો રિબકાનો છે. તેણે ઇબ્રાહિમના દીકરા ઇસહાક સાથે લગ્‍ન કર્યા હતા. તેણે સોનાની નથણી, સોનાની બંગડીઓ અને બીજાં કીમતી ઘરેણાં પહેર્યાં હતાં, જે તેના થનાર સસરાએ ભેટમાં આપ્યાં હતાં. (ઉત્પત્તિ ૨૪:૨૨, ૩૦, ૫૩) બીજો દાખલો એસ્તેરનો છે. ઈરાનનો રાજા સુંદર સ્ત્રીઓમાંથી પોતાના માટે રાણી પસંદ કરતો હતો ત્યારે, એસ્તેર તેઓમાંની એક હતી. રાજા આગળ લઈ જવામાં આવે એ પહેલાં ‘સૌંદર્ય નિખારવા’ અમુક ગોઠવણો કરવામાં આવી હતી. એસ્તેરે એ ગોઠવણોનો સ્વીકાર કર્યો હતો. એવું લાગે છે કે એ ગોઠવણોમાં “સૌંદર્ય પ્રસાધનોનો,” એટલે કે અલગ અલગ પ્રકારના મેકઅપનો ઉપયોગ થતો હતો.—એસ્તેર ૨:૭, ૯, ૧૨.

  •   બાઇબલમાં સારી વાતો શીખવવા ઘરેણાંના દાખલા આપ્યા છે. જેમ કે, સારી સલાહ આપનાર માણસ વિશે કહેવામાં આવ્યું છે કે જે તેની સલાહ ‘સાંભળે છે,’ તેના માટે એ માણસ ‘સોનાની બુટ્ટી જેવો છે.’ (નીતિવચનો ૨૫:૧૨) એવી જ રીતે, ઇઝરાયેલ દેશ સાથે પોતાના વ્યવહારની સરખામણી ઈશ્વર એવા પતિ સાથે કરે છે, જે પોતાની પત્નીને બંગડીઓ, હાર અને ઝૂમખાંથી શણગારે છે. એટલે ઇઝરાયેલ દેશનું “રૂપ દિવસે ને દિવસે ખીલતું ગયું.”—હઝકિયેલ ૧૬:૧૧-૧૩.

મેકઅપ અને ઘરેણાં વિશે અમુક ખોટી માન્યતાઓ

 ખોટી માન્યતા: ૧ પિતર ૩:૩માં જણાવ્યું છે કે ‘વાળ ગૂંથવા અને સોનાનાં ઘરેણાં પહેરવાં’ ખોટું છે.

 હકીકત: આગળ-પાછળની કલમોથી જાણવા મળે છે કે અહીંયા બહારના શણગાર કરતાં અંદરનો શણગાર વધારે મહત્ત્વનો છે, એ વાત સમજાવવામાં આવી છે. (૧ પિતર ૩:૩-૬) આવી સરખામણી બાઇબલની બીજી કલમોમાં પણ જોવા મળે છે.—૧ શમુએલ ૧૬:૭; નીતિવચનો ૧૧:૨૨; ૩૧:૩૦; ૧ તિમોથી ૨:૯, ૧૦.

 ખોટી માન્યતા: દુષ્ટ રાણી ઇઝેબેલ “આંખોમાં કાજળ” લગાડતી હતી, જેનાથી ખબર પડે છે કે મેકઅપ કરવો ખોટું છે.—૨ રાજાઓ ૯:૩૦.

 હકીકત: ઇઝેબેલ જાદુવિદ્યામાં ડૂબેલી હતી અને તેણે ઘણા લોકોને મારી નંખાવ્યા હતા. એટલે ઇઝેબેલને તેના શણગાર માટે નહિ, પણ તેનાં ખરાબ કામો માટે સજા થઈ હતી.—૨ રાજાઓ ૯:૭, ૨૨, ૩૬, ૩૭.